Tuesday, June 18, 2013

હું ગુજરાત છું……
હું ગુજરાત છું……
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત.
ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત………..
હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,
અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું.
હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું, મારું પોત કચ્છના રણની ધોળાશ જેવું નિષ્કલંક છે તો મારા હૃદયમા તે જ રણની વિશાળતા છે, નર્મદાનું પાણી મા ગુર્જરીનું ધાવણ છે. હું ગુજરાત!!!!!!!!!
સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.
મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે,
અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે………
મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે.શ્યામજી કૃષ્ણ વર્માની ક્રાંતિ મા હું છું, ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે……..
ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા…………….
હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું….
હું ગુજરાત છું ……

-Ha ame gujrati-
 

No comments: